૪૦ દેહમાં, ધબકારમાં હું ખરેખર ક્યાં હતો? / નીરજ મહેતા


દેહમાં, ધબકારમાં હું ખરેખર ક્યાં હતો?
આ બધી ભરમારમાં હું ખરેખર ક્યાં હતો?

દૃષ્ટિથી ઓઝલ રહી ઝાંય નોખા રંગની
ફાગણી બૌછારમાં હું ખરેખર ક્યાં હતો?

આંખના અંબારનો ચોતરફ વિસ્તાર છે
બિંબના આગારમાં હું ખરેખર ક્યાં હતો?

દૃશ્ય ટકવાનું નથી- ત્યાં અટકવાનું નથી
તેજના ઝબકારમાં હું ખરેખર ક્યાં હતો?

તું અનલહક ઉચ્ચરે કે શિવોહં ગા સ્વરે
નાદ અપરંપારમાં હું ખરેખર ક્યાં હતો?

છે અલગ પ્રત્યેક ઘટ એ મિષે થાઉં પ્રગટ
મૂર્તતા આકારમાં હું ખરેખર ક્યાં હતો?

કેટલાં જન્મો ગયાં ઊંઘ ખૂલે છે જ ક્યાં?
સ્વપ્નના વ્યાપારમાં હું ખરેખર ક્યાં હતો?

કૈંક પર્વત પર ચડ્યાં ભીતરે ના ઊતર્યાં
દત્ત કે દાતારમાં હું ખરેખર ક્યાં હતો?

છો કહું કે મેં કર્યું... છે ખબર કોણે કર્યું
શબ્દશઃ હુંકારમાં હું ખરેખર ક્યાં હતો?0 comments