38 - તારા પાછા વળવાની અફવાઓનું પણ ટોળું / નીરજ મહેતા


તારા પાછા વળવાની અફવાઓનું પણ ટોળું
તારા સામે મળવાની અફવાઓનું પણ ટોળું

રૂંધાયેલાં કંઠ અચાનક ઊડ્યાં પાંખ પ્રસારી
કલરવ ટોળે વળવાની અફવાઓનું પણ ટોળું

ખીણ કરીને પાર અમે પુલને તોડી તો નાખ્યો
ત્યાંથી પાછા વળવાની અફવાઓનું પણ ટોળું

આભ સમાણું પહોળું મોઢું ફાડીને આ ઊભું
શાંત સમયને ગળવાની અફવાઓનું પણ ટોળું

એકબીજાથી જોજન-જોજન આઘે બેઠાં બન્ને
એકબીજામાં ભળવાની અફવાઓનું પણ ટોળું


0 comments


Leave comment