૪૨ શબ્દ ! સમતોલો હવે, કર્ણભેદી મૌન છે / નીરજ મહેતા


શબ્દ ! સમતોલો હવે, કર્ણભેદી મૌન છે
કૈંક તો બોલો હવે, કર્ણભેદી મૌન છે

સાત સ્વર-ખિસકોલીઓ આભના અખરોટને
સહેજ કરકોલો હવે, કર્ણભેદી મૌન છે

શૂન્યતાની ખાટ પર બેસ લઇને સંસ્મરણ
માર હડદોલો હવે, કર્ણભેદી મૌન છે

વેદનાની ડાળનો સાથ સૌ છોડી ગયાં
ચૂપ છે હોલો હવે, કર્ણભેદી મૌન છે

ચાર દીવાલો વચે, ભીંસ નીરવ વિસ્તરે
બારણાં ખોલો હવે, કર્ણભેદી મૌન છે

(ઉદ્દેશ)