1 - નિવેદન - તાસીર જુદી છે - અજવાળું વિસ્તારું છું... / લક્ષ્મી ડોબરિયા


સ્હેજ પાછું ફરીને જોઉં છું તો લાગે છે કે જિંદગી જે રસ્તેથી પસાર થવાની હોય એમાં આવનારા ચડાવ-ઉતાર અને વળાંકોને અનુરૂપ થવાનું બળ મળે એવી સંભાવનાઓ ઈશ્વરે આપણી અંદર મૂકેલી જ હોય છે. સમય, સંજોગો કે કોઈ વ્યક્તિ વિશેષના નિમિત્તે એ સંભાવનાઓ બહાર આવે છે ને આપણી અલગ ઓળખ કે જુદી તાસીર ઊભી કરે છે.

કવિતા સાથેનું સંધાન કૈંક આવા જ કારણસર બહુ જ નાની ઉંમરમાં થયું. ઘરમાં સવાર-સાંજ નિષ્કુળાનંદ અને બ્રહ્માનંદના કિર્તનો સાંભળી-ગાઈને અનાયાસે જ ક્યારેક જોડકણાં કે બે-ત્રણ પંક્તિઓ લખતી થઈ ગઈ ત્યારે, એવી ખબર નહોતી કે આગળ જતાં શબ્દ સાથેનો આ લગાવ મારા માટે ધ્યાન, પૂજા, આરતી અને ઉપચાર થઈ જશે.

ઓછા અભ્યાસની પૂર્તિ કરવા વાંચન-લેખન તરફ સ્હેજે વળાયું ને કવિતા લખવામાં નિમિત્ત બની મારી શાળા વખતની સહિયર રેશ્મા વોરા. મારો અભ્યાસ છૂટ્યો એ દરમ્યાન જ રેશ્માને પરિવાર સાથે જૂનાગઢ જવાનું થયું ને... આમ, અમારા વચ્ચે પત્ર વ્યવહાર શરૂ થયો. મુગ્ધાવસ્થાની એ સમયની લાગણીઓ કવિતારૂપે પત્રમાં વ્યક્ત થતી રહી. વર્ષો સુધી રૂબરૂ મળવાનું ના થયું પણ... પત્રો દ્વારા રેશ્મા સતત કવિતાઓ લખવા પ્રેરતી રહી ને... આમ છંદ વગરની ‘ગઝલો’ લખાતી રહી.

લગ્ન પછી કચ્છના નાનકડા શહેર અંજારથી રાજકોટ આવી ત્યારે મનમાં હતું કે રાજકોટ જેવા શહેરમાં મારી શબ્દયાત્રા મારે જ્યાં જવું છે ત્યાં મને લઈ જશે. રૂઢિગત બહોળા સંયુક્ત પરિવારની સૌથી નાની પુત્રવધુ તરીકેની ફરજો અને જવાબદારીઓ વચ્ચે મારો વાંચન-લેખનનો રસ જળવાઈ રહે એ માટે મારા પતિ સી. એમ. ડોબરિયા લાયબ્રેરીમાંથી ગુજરાતી સાહિત્યના ઉત્તમ પુસ્તકો લાવી આપતા, ઘરકામમાંથી સમય કાઢીને પણ હું એ વાંચતી રહી... પંદર વર્ષો સુધી આ યાત્રા ઘરની ચાર દીવાલો સુધી સીમિત રહી.

એક દિવસ ન્યૂઝપેપરમાં પ્રેસ નોટ વાંચી કે શ્રી રુસ્વા મઝલૂમીના નિવાસસ્થાને રાજકોટ સ્થિત સહિયાકારો કાવ્યપાઠ માટે મળવાના છે ને... કોણ જાણે ક્યા ખેંચાણના બળે હું એ બેઠકમાં ગઈ અને ત્યાં શ્રી રુસ્વા મઝલૂમી, શ્રી રમેશ પારેખ, શ્રી એસ. એસ. રાહી, શ્રી પ્રદીપ રાવલ ‘સુમિરન’, શ્રી મધુકાન્ત જોશી વગેરેની ઉપસ્થિતિમાં કાવ્યપાઠ કર્યો ને સૌની દાદ મેળવી.

આ બેઠક પછી શ્રી એસ. એસ. રાહી અને મધુકાન્ત જોશીએ નિયમિત મળતી ‘રચના’ની બેઠકમાં આવવાનું કહ્યું ને હું રચનાની બેઠકમાં જવા લાગી.

આવી જ એક બેઠકમાં મારા કાવ્યપઠન પછી શ્રી રમેશ પારેખે મારી છંદ વગરની ગઝલો જોઈ અને પોતાના હસ્તાક્ષર કરતાં કહ્યું કે... “બેન, તમે છંદ શીખી લો તો ગઝલ લખવાની તમારી સંભાવના બહાર આવશે.” .. બસ, મને યોગ્ય દિશા મળી ગઈ.

સ્વભાવગત મર્યાદાને કારણે કોઈની પાસે છંદ અંગેની સમજ લેવાનું તો ના થયું પણ.. “છીપનો ચહેરો ગઝલ” પુસ્તકમાંથી છંદ અંગેની પ્રાથમિક સમજ કેળવીને થોડી છંદોબદ્ધ ગઝલો લખીને શ્રી એસ. એસ. રાહીને બતાવી. રાહી સાહેબે થોડું વધારે માર્ગદર્શન આપ્યું ને, આમ છંદોબદ્ધ ગઝલ લખવાની યાત્રા શરુ થઈ.

૨૦૦૫માં રાજકોટના જ શ્રી દિનેશ કાનાણી, શ્રી રાજેશ મહેતા ‘રાજ’, શ્રી નિનાદ અધ્યારુ અને કુ. છાયા ત્રિવેદી સાથે ‘શ્રી ગઝલ’ નામે સંયુક ગઝલ સંગ્રહ શ્રી પ્રદીપ રાવલ ‘સુમિરન’ ના માર્ગદર્શનથી પ્રકાશિત થયો. જેને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો.

શ્રી રાકેશ હાંસલિયા અને શ્રી દિનેશ કાનાણી સાથે પારિવારિક સંબંધોના કારણે અવારનવાર મળવાનું થતું ત્યારે સાવ સહજ અને મુક્ત મને ગઝલ અંગે વિચાર-વિમર્શ થતા. સમકાલીન અને પુરોગામી ગઝલકારોની ગઝલોનો અમે અભ્યાસ કરતા. ૨૦૧૦માં અમો ત્રણેયે ‘તત્વ’ નામે સંયુક્ત ગઝલ સંગ્રહ પ્રગટ કર્યો. વાચકો અને અન્ય સર્જકોના પત્રોરૂપી પ્રતિસાદના કારણે આત્મવિશ્વાસ વધ્યો. સામયિકોમાં પણ અવારનવાર ગઝલ પ્રકાશિત થતી રહી.

અલબત્ત હજુ પણ ગઝલના છંદશાસ્ત્ર અંગે થોડા પ્રશ્નો હતાં એના ઉકેલ રૂપે જ જાણે કે રાજકોટની સાહિત્યિક સંસ્થા “વામા” એ સુરતના કવિ શ્રી ગૌરાંગ ઠાકરને ગઝલના “શીલ અને સૌન્દર્ય” વિષય પર વક્તવ્ય આપવા નિમંત્ર્યા ત્યારે શ્રી ગૌરાંગ ભાઈ પાસેથી ગઝલના છંદશાસ્ત્ર અને ગઝલની બારીકીઓ અંગે વિસ્તૃત જાણકારી મળી. એ જ રીતે શ્રી રઈશ મનીઆર કોઈ કાર્યક્રમ માટે રાજકોટ આવેલા ત્યારે એમને મળવાનું થયેલું ને એમણે ખૂબ જ સરળ અને સહજ રીતે ગઝલના આંતર-બાહ્ય રંગ અને રૂપની સમજ આપી.

જિંદગીના હર મુકામ પર મારી કે અન્ય સર્જકોની કવિતાએ મને હામ અને હૂંફ આપી છે.

કશુંજ ન સૂઝે એવા વળાંકે કવિતાએ મને યોગ્ય દિશા બતાવી છે.

સ્વયંને સંભાળવાનું મુશ્કેલ થઈ પડે એવા ઢોળાવ પર કવિતાએ મને સંભાળી છે.

મારા દરેક પ્રશ્નોના ઉત્તર કવિતામાંથી જ મળ્યાં છે.
ગઝલને પામવાની... આત્મસાત કરવાની મારી યાત્રાના કારણે સંયુક્ત ગઝલ સંગ્રહ ‘શ્રી ગઝલ’ અને ‘તત્વ’ પછી મારા આ સ્વતંત્ર સંગ્રહ ‘તાસીર જુદી છે’માં મારી અંગત લાગણીઓ, અનુભૂતિઓ અને સ્વ સુધી પહોંચવાની મથામણ શબ્દસ્થ થઈ છે. મારી આ સંભાવનાને બહાર લાવનારા સમય, સંજોગો અને સ્વજનોની કાયમી ઋણી રહીશ.

- લક્ષ્મી ડોબરિયા

‘સમન્વય’
૯, નહેરૂનગર સોસાયટી,
નાના મવા મેઈન રોડ,
રાજકોટ – ૩૬૦ ૦૦૪
ફોન : ૯૬૮૭૫ ૧૯૯૫૨


0 comments


Leave comment