3 - આ શો ચતુરાના ચિત્તનો ચાળો રે, એને કોઈ નિહાળો રે/ નરસિંહ મહેતા


આ શો ચતુરાના ચિત્તનો ચાળો રે, એને કોઈ નિહાળો રે. ટેક

બ્રહ્માએ નથી ઘડી ભામિની, એ તો આપે બનીને આવી રે,
ત્રણ લોકમાં નહીં રે તારુણી, આવડું રૂપ ક્યાંથી લાવી રે ૧
દર્શન કરતાં દુઃખડા ભાજે, સ્પર્શે પાતક જાયે રે,
એ નારીની જાતને જાણે તેને આવાગમન નહિ થાય રે. ૨
ઘડ્યું ઘરેણું એને રે હાથે, હાથે ભરી છે ચોળી રે,
સાળુડે ભાત નારીકુંજરની, કસુંબાના રંગમાં બોળી રે. ૩

એને ગાને ગુણી ગાંધ્રવ મોહ્યાં, તાંડવ નૃત્યને જાણે રે,
જળની ઝારી જુગતે ઝાલી, મારાં મંદિરિયામાં માણે રે. ૪

કહીએ છીએ પણ કહ્યું ન માને, એ નારી નહીં, ગિરિધારી રે,
બ્રહ્મા, ઈંદ્ર, શેષ, શારદા એનાં ચરણ તણાં અધિકારી રે. ૫

વાસ કરે વૃંદાવન માંહે, હમણાં ગોકુળથી આવે રે,
નરસૈંયાના સ્વામીને જોજો, એ તો નયણામાં નેહ જણાવે રે. ૬


0 comments


Leave comment