1 - તાસીર જુદી છે / લક્ષ્મી ડોબરિયા


મારી બધી યે વાતની તાસીર જુદી છે,
ભીતર પડી એ ભાતની તાસીર જુદી છે.

આપે છે દિલાસો ને વળી રંગમાં આપે,
આ સાંજની સોગાતની તાસીર જુદી છે.

સંભાવના છે બીજમાં એક વૃક્ષ થવાની,
અણદેખી એ તાકાતની તાસીર જુદી છે.

વાદળની ઉપર વીજની થઈ જાય સવારી,
અષાઢના જઝબાતની તાસીર જુદી છે.

હૈયાની કરે વાત છતાં સાંભળે ના કોઈ,
તમરાંના વલોપાતની તાસીર જુદી છે.

ખાલીપો કરી જાય સરેઆમ પ્રહારો,
એ ઘાત ને આઘાતની તાસીર જુદી છે.

હું વાત ગઝલ સાથે સહજતાથી કરી લઉં,
એ ખાસ મુલાકાતની તાસીર જુદી છે.0 comments


Leave comment