2 - અજવાળું થાય છે / લક્ષ્મી ડોબરિયા


થોડા ઘણાં તનાવથી અજવાળું થાય છે,
ખુદને કરેલી રાવથી અજવાળું થાય છે.

જ્યાં મીણ કે બરફ થઈ ખુદને મળી શકો,
એવા બધાં બનાવથી અજવાળું થાય છે.

સૂરજને ખોટું લાગશે આ એક વાતથી,
અહિં ભાવ ને અભાવથી અજવાળું થાય છે.

છે શબ્દના કે મૌનના, નહિ તારવી શકો,
દેખાય નહિ એ ઘાવથી અજવાળું થાય છે.

સહમત બધી ય વાતમાં ના થઈ શકાય પણ
ના કે હા ના પ્રભાવથી અજવાળું થાય છે.

આ દર્દ, પીડા, વેદના જોતા રહી ગયા,
ખુશીઓની આવ-જાવથી અજવાળું થાય છે.

નડતા નથી સવાલ મને કાલના હવે,
આ આજના લગાવથી અજવાળું થાય છે. 


0 comments


Leave comment