4 - ગઝલ સંચય થયો / લક્ષ્મી ડોબરિયા


વાત કરવા કેટલો તન્મય થયો,
વાયરો પણ આજે તો સંજય થયો.

ગુલમહોરી તેજ ને જોયા પછી,
તડકાને ખુદની ઉપર સંશય થયો. !

મેં પ્રથમ આ જાત ઓગાળી હતી,
એટલે સંબંધ તેજોમય થયો.

કોઈના હોવાથી એવું લાગે છે,
સાંજ ટાણે જાણે સૂર્યોદય થયો. !

મેં તો ખાલીપો જરા ગુંજે ભર્યો,
આપની નજરે ગઝલ સંચય થયો.

ટેરવાં બોલ્યાં હતા સ્હેજે અને,
બે હૃદયનો એક સરખો લય થયો.

દબદબા સાથે વળાવે સૂર્યને,
સાંજનો કેવો સરસ આશય થયો.


0 comments


Leave comment