6 - ઉજાગર કરી કરી શકે / લક્ષ્મી ડોબરિયા


મારાથી પણ જરાક મને પર કરી શકે,
હોવું તમારું બસ મને સદ્ધર કરી શકે.

આકાશ આંબવાનો ખરો અર્થ આમ કર,
કોઈનો હાથ ઝાલી તું પગભર કરી શકે.

સંજોગ તારા હાથમાં બસ આટલું જ છે,
જે ભીતરે છે એને ઉજાગર કરી શકે.

ખુલ્લું હૃદય જો રાખ તો હળવાશ લાગશે,
તાજા વિચારો ભીતરે હરફર કરી શકે.

ઘટના અને બનાવ અલગ ભાત પાડશે,
તું જાતને અગર અહીં વસ્તર કરી શકે.

મહિમા કરી શકીશ ખરેખર તું શબ્દનો,
જો મૌન છોડી વાત સમયસર કરી શકે !

અજવાળું રાતનું વધે પણ એક શર્ત છે,
તું સાંજને સવાર થી બહેતર કરી શકે. 


0 comments


Leave comment