9 - ઓછા-વત્તા થઈ જુઓ / લક્ષ્મી ડોબરિયા


એક જણની સામે સાચા થઈ જુઓ,
ને, અરીસા તોડી હળવા થઈ જુઓ.

સ્થિરતા સંબંધમાં આવી જશે,
બસ, સમયસર ઓછા-વત્તા થઈ જુઓ.

નહિ રહે અફસોસ પીળા પાનનો,
ક્યાં કૂંપળ, ક્યાંક ટહૂકા થઈ જુઓ.

ભીતરી અસબાબને પામી શકો,
માર્ગ ભૂલેલાના નકશા થઈ જુઓ.

થઈ જશે પળવારમાં એ ઠાવકું,
મન ગળ્યું માંગે તો કડવા થઈ જુઓ. 


0 comments


Leave comment