10 - ચાલ્યા કરે / લક્ષ્મી ડોબરિયા


આઘા અને ઓરા થવું ચાલ્યા કરે,
સંબંધમાં આવું બધું ચાલ્યા કરે.

જૂઠાણું લકવાગ્રસ્ત આખરે થઈ જશે,
શરૂઆતમાં થોડું-ઘણું ચાલ્યા કરે.

ક્યાં સ્થિર થાવું, હાથમાં હોવું ઘટે,
આ મનમાં તો નોખું-નવું ચાલ્યા કરે.

સંભાવના જાગી જવાની હોય જ્યાં,
પડવું ને ઊભા થઈ જવું ચાલ્યા કરે.

સૂરજ સમા ઝળહળ થવાની લ્હાયમાં,
મ્હોરાંને રોજે માંજવું ચાલ્યા કરે.

ટાણાં ઉપર આવી અને ઊભા રહો,
બાકી સમયસર દોડવું ચાલ્યા કરે.

‘એ આવશે’ ની રાહમાં ને રાહમાં,
એનું સ્મરણ હૈયાવગું ચાલ્યા કરે. 


1 comments

sandspeaks

sandspeaks

Dec 28, 2019 01:08:06 AM

best

0 Like


Leave comment