47 - સિતારાને અડકવા ગગન કૈં દૂર ન્હોતું, તને મંજૂર ન્હોતું, મને મંજૂર ન્હોતું / નીરજ મહેતા


સિતારાને અડકવા ગગન કૈં દૂર ન્હોતું, તને મંજૂર ન્હોતું, મને મંજૂર ન્હોતું
તમન્નાની નદીમાં જરીકે પૂર ન્હોતું, તને મંજૂર ન્હોતું, મને મંજૂર ન્હોતું

મળ્યું’તું આંખ સામે સતત સંગાથનું વન, પરસ્પર વાત ચાલે અને એ પણ મનોમન
હૃદયમાં તેં ધર્યું જે એ મારૂં ઉર ન્હોતું, તને મંજૂર ન્હોતું, મને મંજૂર ન્હોતું

મળ્યો રણની વચોવચ તૃષાનો કૂપ છલબલ, નજરમાં દોડતું મૃગ પલકની પાર ઓઝલ
છતાં આકંઠ પીધું ઝરણ એ ઝૂર ન્હોતું, તને મંજૂર ન્હોતું, મને મંજૂર ન્હોતું

ન બોલી તું કશુંયે ન બોલ્યો હું કશુંપણ, છતાં વચ્ચે ઝળૂંબે અધૂરું એક સગપણ
કદી સંવાદનું વન ઘટાઘેઘૂર ન્હોતું, તને મંજૂર ન્હોતું, મને મંજૂર ન્હોતું

મળી’તી એક વાર્તા કર્યાં’તાં હાર્દ જૂદાં ચયન જૂદાં હતાં ‘ને ચયનના માર્ગ જૂદાં
મળ્યું સામીપ્ય એ શું સઘન ભરપૂર ન્હોતું? તને મંજૂર ન્હોતું, મને મંજૂર ન્હોતું

(ધબક)


0 comments


Leave comment