53 - નસેનસ આમ સંચરતાં રહ્યાં ‘ને રાત વીતી ગઇ / નીરજ મહેતાનસેનસ આમ સંચરતાં રહ્યાં ‘ને રાત વીતી ગઇ
સ્વયંની શોધ આદરતાં રહ્યાં ‘ને રાત વીતી ગઇ

હવે તો ટાંકણાં બદલાવવાં પડશે, બધાં બુઠ્ઠાં
ત્વરાથી મૌન કોતરતાં રહ્યાં ‘ને રાત વીતી ગઇ

કરાતાં યાદ આવી તો ચડી’તી મનઝરૂખામાં
પછી એ વાત વિસ્મરતાં રહ્યાં ‘ને રાત વીતી ગઇ

ખડક ચોપાસ તીણાં શ્વાસના, અથડાવની ભીતિ
જતનથી નાવ લાંગરતાં રહ્યાં ‘ને રાત વીતી ગઇ

હજૂયે આંખના ખિસ્સા મહીંથી બહાર ડોકાતી
તમારી હૂંફ સંઘરતાં રહ્યાં ‘ને રાત વીતી ગઇ

પ્રથમ તો અન્વયો અઘરાં ઉપરથી વ્યાકરણ કાચું
જીવનનો શ્લોક ઉચ્ચરતાં રહ્યાં ‘ને રાત વીતી ગઇ

(નવનીત સમર્પણ)


0 comments


Leave comment