54 - આકાશ જેવું છત્ર હો / નીરજ મહેતાઆકાશ જેવું છત્ર હો
આવી મજા અન્યત્ર હો?

હો સાંજ ભીંજાતી સખત
આષાઢ આંખે અનવરત
’ને હાથમાં તુજ પત્ર હો

ભાલેન્દુ થઇને શોભતો
પ્રસ્વેદ જ્યમ નક્ષત્ર હો

તાવીજ તિલક પરિધાન વા
ગૂગળ બળે લોબાન વા
વાતાવરણ ગાયત્ર હો

એ આંગણું છે આપણું
જ્યાં પારેવાં એકત્ર હો

મારી અભીપ્સા એટલી
દૃષ્ટિ નિહાળે જ્યાં સુધી
આનંદઘન સર્વત્ર હો


0 comments


Leave comment