55 - અડાબીડ અલખ દ્વાર તરફ ધ્યાન હતું ક્યાં ? / નીરજ મહેતા


અડાબીડ અલખ દ્વાર તરફ ધ્યાન હતું ક્યાં ?
લગાતાર નિરાકાર તરફ ધ્યાન હતું ક્યાં ?

સરેઆમ સરાબોર થયા હોત પરંતુ
વરસનાર ધુંઆધાર તરફ ધ્યાન હતું ક્યાં ?

કથાકાર તણા પાય પખાળીને પિવાશે
કથકનુંય કથાસાર તરફ ધ્યાન હતું ક્યાં ?

અમે બહાર ફર્યા ખૂબ ખજૂરીય મળી નહિ
ખરાં વૃક્ષ ઘટાદાર તરફ ધ્યાન હતું ક્યાં ?

તડીપાર થયાં શબ્દ હવે મૌન પ્રવર્તે
નિસંવાદ એ મલ્હાર તરફ ધ્યાન હતું ક્યાં ?

શિલાલેખ સમા શેર વિશે વાત કરે છે
વિવેચકનું ગઝલકાર તરફ ધ્યાન હતું ક્યાં ?


0 comments


Leave comment