56 - સજળ આકાશને વાદળવટો આપી નથી શકતો / નીરજ મહેતાસજળ આકાશને વાદળવટો આપી નથી શકતો
તમારા નામને કાગળવટો આપી નથી શકતો

સવારે સૂર્ય માફક હુંય ધગધગ થાઉં છું તોયે
પ્રભાતી પુષ્પને ઝાકળવટો આપી નથી શકતો

મહાવૃક્ષો પડ્યાં ઝઘડી ‘ને વનમાં ઝાળ લાગી ગઇ
બળે છે ઘાસ- દાવાનળવટો આપી નથી શકતો

બધું પસવારવું, બહેલાવવું, સમજાવવું ફોગટ
તરસના ઝુંડને મૃગજળવટો આપી નથી શકતો

તને આપી શકું એવું કશું બાકી બચ્યું છે ક્યાં ?
છતાં એ વાતને અટકળવટો આપી નથી શકતો

(ધબક)


0 comments


Leave comment