57 - ગૂંજતો કલરવ પહાડી હોત ભીતર / નીરજ મહેતા


ગૂંજતો કલરવ પહાડી હોત ભીતર
વાંસળી દિલથી વગાડી હોત ભીતર

દ્વંદ્વમાં અસ્તિત્વ જીત્યું હોત, જો તેં
એક ઈચ્છાને પછાડી હોત ભીતર

પીગળે પાષાણ ‘હું’પદના સમૂળાં
આગ થોડી પણ લગાડી હોત ભીતર

એ થયું સારું કે ઊગ્યાં ફૂલ એમાં
થડ ઉપર નહિતર કુહાડી હોત ભીતર

તપ કરો છો બંધ રાખી આંખ કિંતુ
એક બારી તો ઉઘાડી હોત ભીતર...


0 comments


Leave comment