58 - ભીતર ઝાંકી જોયું ખુદને વ્યાકુળ ગણી પાછો આવ્યો / નીરજ મહેતા


ભીતર ઝાંકી જોયું ખુદને વ્યાકુળ ગણી પાછો આવ્યો
અણદેખ્યું કૈં દેખાયું એને ધૂળ ગણી પાછો આવ્યો

લેવી’તી ચપટી યોજનગંધા ઊંઘ સુંવાળી ‘ને મસૃણ
પણ બાવળ-બાવળ શમણાંઓનાં શૂળ ગણી પાછો આવ્યો

મનની કેડી પર સમતાના ફૂલો વીણવાનું ભૂલીને
આડેધડ ઊગી ઈચ્છાઓના મૂળ ગણી પાછો આવ્યો

અનુભૂતિના આકાશે કૈંક ઉડાનો ઊડી લીધી પણ
ઝળહળ-ઝળહળ જે જોયું’તું એ સ્થૂળ ગણી પાછો આવ્યો

વારેવારે આ ધરતી પર બસ આંટાફેરા ચાલુ છે
જન્મી, જીવી, જણવું, મરવું વર્તુળ ગણી પાછો આવ્યો


0 comments


Leave comment