59 - આપણી ભીતર પડી હો તો જ અવતારી શકો / નીરજ મહેતા


આપણી ભીતર પડી હો તો જ અવતારી શકો
લાખ આયાસો કર્યે ગઝલો ન આકારી શકો

આમ તો એ એક ક્ષણમાં પામવાની ચીજ છે
કેટલાંયે જન્મ લો તોયે ન પરવારી શકો

તીર માફક ખૂંચવાની જિંદગાની શ્વાસમાં
રક્તમાં કૌવત પડ્યું હો તો જ ધબકારી શકો

શબ્દ કડવો ઝેર લાગે, કાન ચાખે પણ નહીં
હોઠ ખોલ્યા વિણ મધૂરું મૌન ઉચ્ચારી શકો

એટલે તો એકપણ ઉપનામ મેં રાખ્યું નથી
ધારવું હો એ તમે મારા વિશે ધારી શકો

(સંપાદન - ‘ધબકતું મૌન’)


0 comments


Leave comment