61 - કોશિશ કરી કરીને / હરજીવન દાફડા


સઘળાં જ પાંદડાઓ ચાલ્યા ખરી ખરીને,
વેરાન ઝાડવાંઓ જીવે મરી મરીને.

કરપીણ કોયડાઓ પજવી રહ્યા છે એવા,
ખજવાળે આંગળાઓ માથું ફરી ફરીને.

અંદરના આદમીનું રહેઠાણ ક્યાં મળે છે ?
થાકી ગયો મુસાફર કોશિશ કરી કરીને.

અંધાર મારા ઘરમાં આજેય એટલો છે,
કાઢું બહાર ક્યાં લગ ગાડાં ભરી ભરીને.

બસ, એ જ ઘાત અંતે આવી પડી છે માથે,
જેનાથી જિંદગીભર ચાલ્યા તરી તરીને. 0 comments


Leave comment