65 - એને પુકારી ના શક્યો / હરજીવન દાફડા


તેં વિચાર્યું એવી રીતે હું વિચારી ના શક્યો,
ધાર્યું તોયે તારા વિશે કાંઈ ધારી ના શક્યો.

ખાલીપાની આગ વચ્ચે આયખું બળતું રહ્યું,
આ વિવશ હાથો વડે થોડુંય ઠારી ના શક્યો.

મન હરાયું ઢોર લીલાં ખેતરો ખૂંદયા કરે,
મારી ઈચ્છાઓ પ્રમાણે એને ચારી ના શક્યો.

ભાંગતી, ભેખડ તળે સરકી રહેલી જાતને,
કેટલી કોશિશ કરી તોયે ઉગારી ના શક્યો.

એમ આવીને ગળામાં ‘હું પણું’ બાઝી ગયું,
કોઈ પણ રીતે પછી એને પુકારી ના શક્યો.


0 comments


Leave comment