70 - સમજાતું નથી / હરજીવન દાફડા


આમ સઘળું સ્પષ્ટ છે ને આમ દેખાતું નથી,
ખોલવી કે બંધ કરવી આંખ, સમજાતું નથી.

આમ ઘૂઘવતા રહે સાતેય દરિયા ભીતરે,
આમ ખોબા જેટલું પાણીય પીવાતું નથી.

આ જગત એમાં પસીનો રેડતું આવે સતત,
પાત્ર ઈચ્છાનું મળ્યું એવું કે છલકાતું નથી.

પાંપણો ખૂલે સ્વયં ત્યારે હકીકત ઊઘડે,
આપમેળે આંખમાંથી સ્વપ્ન ભૂંસાતું નથી.

‘આવ - જા’ જેવો અનુભવ થાય રોમેરોમમાં,
એક જણનું રૂપ સાંગોપાંગ પરખાતું નથી.


0 comments


Leave comment