11 - ઉતારો નથી કર્યો / લક્ષ્મી ડોબરિયા


લઈ આયનાનું તેજ ઠઠારો નથી કર્યો,
આ સાદગીનો એમ તમાશો નથી કર્યો.

આગળ જવાનો કોઈ ધખારો નથી કર્યો,
થઈ જાઉં ખુદથી દૂર એ રસ્તો નથી કર્યો.

જે હાથ બ્હાર હોય છે એવી ક્ષણો વિશે,
મેં જિંદગી કનેથી તકાદો નથી કર્યો.

પ્રશ્નો મને લઈ જાય છે આગળ અને ઉપર,
ઉત્તર વિશે મેં એટલે દાવો નથી કર્યો.

હું છું હવા ને વાત ફૂલોથી કરી લઉં,
પણ મ્હેંક માટે ક્યાંય ઉતારો નથી કર્યો.

પોતીકો છે અવાજ ને પોતીકું મૌન છે,
અજવાળું લૈ ઉછીનો ગુજારો નથી કર્યો.0 comments


Leave comment