15 - હોઈ શકે / લક્ષ્મી ડોબરિયા


પ્રશ્ન અથવા જવાબ હોઈ શકે,
આ સમય લાજવાબ હોઈ શકે.

હાથ હો ખાલી, ભીતરે જોજે,
મૂડી ત્યાં બેહિસાબ હોઈ શકે.

આંખ ભીની ને હોઠ હસતા હોય,
ખાલીપાનો રુઆબ હોઈ શકે.

હોવાનો અર્થ એમ જોયો મેં,
ઓસ પણ આફતાબ હોઈ શકે.

આજની આ ક્ષણો હકીકતમાં,
કાલે જોયેલા ખ્વાબ હોઈ શકે.

વાંચે છે આ હવા સતત જેને,
પાંદડા પણ કિતાબ હોઈ શકે.

આ ગઝલ જિંદગી એ આપેલો,
ખૂબસૂરત ખિતાબ હોઈ શકે. 


0 comments


Leave comment