18 - મારો અવાજ રાખું છું / લક્ષ્મી ડોબરિયા


મનને હું હાથમાં જ રાખું છું,
એ જ એનો ઈલાજ રાખું છું.

આ સહજ થઈ જવાનો રસ્તો છે,
આજમાં ખાલી આજ રાખું છું.

નોખી રીતે તરસ ને પોંખી છે,
હું અષાઢી મિજાજ રાખું છું.

થાય છે ત્યાં સવારનો મહિમા,
જ્યાં વધાવીને સાંજ રાખું છું.

મૌનને સાંભળ્યું તો લાગ્યું કે,
હું ય મારો અવાજ રાખું છું.


0 comments


Leave comment