60 - પેલા ખૂણે બેઠો રહી મલકાય છે તે હું જ છું / નીરજ મહેતા


પેલા ખૂણે બેઠો રહી મલકાય છે તે હું જ છું
તખતા ઉપર રોજે અલગ ભજવાય છે તે હું જ છું

જળની સપાટી પર સતત ફેંકાય છે તે હું જ છું
થઇ મૌન જે ચારે તરફ વમળાય છે તે હું જ છું

ખૂલે છે એ પણ હું જ છું મીંચાય છે તે હું જ છું
પલકોની પેટીમાં રહી સચવાય છે તે હું જ છું

અદૃશ્ય છે તે હું જ છું દેખાય છે તે હું જ છું
આંખોના નભમાં રાત’દિ ટોળાય છે તે હું જ છું

શોધે છે તે પણ હું જ ‘ને સંતાય છે તે હું જ છું
અડધી રમતમાં માટલી ચીરાય છે તે હું જ છું

થઇને હવા ફોરમને દોરી જાય છે તે હું જ છું
ખુલતી કળીમાં હું જ છું કરમાય છે તે હું જ છું

હું ચાકડો, માટી ‘ને ભાંગી જાય છે તે હું જ છું
જે નાશ પામ્યો હું જ છું, સરજાય છે તે હું જ છું

આંખોમાં આંજી વિસ્મયો પ્રશ્નાય છે તે હું જ છું
હળવા ઈશારાથીય જે સમજાય છે તે હું જ છું

ઘટનાની ખુલ્લી પીઠ પર સૉળાય છે તે હું જ છું
વીંઝે છે એ પણ હું જ ‘ને વીંઝાય છે તે હું જ છું

જે દૃષ્ટિના આઘાતથી તરડાય છે તે હું જ છું
કંઇપણ બચે ના ત્યાંય જે જળવાય છે તે હું જ છું

(કવિલોક)


0 comments


Leave comment