61 - અરધીપરધી ઓળખ આપી પૂરો ક્યાં પરખાયો તું ? / નીરજ મહેતા


અરધીપરધી ઓળખ આપી પૂરો ક્યાં પરખાયો તું ?
આખેઆખો વાંચી નાખ્યો તોયે ક્યાં સમજાયો તું !

આંખો બંધ કરીને કોઈ જાપે છે, બસ, જાપે છે
એની ચારેબાજુ ઘેરું મૌન બની પથરાયો તું

થોથાં ઉકલ્યાં ઉકલે નૈં ’ને કોઈ ઉત્તર સૂઝે નૈં
બાળકની કાલીઘેલી આંખોમાં ક્યાંક છુપાયો તું

મૃગલાં રઘવાયાં થૈને ચારેબાજુ શોધી વળતાં
ભીતરની કસ્તૂરી છે તું, નાઅત્તરનો ફાયો તું

અસિતગિરિ શાહી, કાગળ જગ, દેવતરૂની ડાળ કલમ
લેખનરત વિદ્યાદેવી તો પણ ના આલેખાયો તું ?


0 comments


Leave comment