૬૧ આ ક્ષણો થૈ સ્કાર્ફ મુખ પર એમ વીંટાતી રહી / નીરજ મહેતા


આ ક્ષણો થૈ સ્કાર્ફ મુખ પર એમ વીંટાતી રહી
દૃષ્ટિને તો માત્ર એની આંખ દેખાતી રહી

આ શિશિરની ટાઢનો કે દોષ મારી આંખનો?
હિમ થૈને પળ નજરમાં રોજ ફેલાતી રહી

હોઠનું કમભાગ્ય કે પહોંચી શક્યાં ના ત્યાં સુધી
આંખડી એની બનીને પૂર છલકાતી રહી

મૌનનું ભારણ હટાવી ના શક્યું એકેય જણ
હોઠ પર ઈચ્છા બધી બસ આવતી-જાતી રહી

એ કશું બોલ્યા નહીં હું પણ કશું બોલ્યો નહીં
વાત તોયે કોણ જાણે કેમ સમજાતી રહી

કેટલાં વર્ષો વીત્યાં તોયે નથી ભૂલી શક્યો
બે નયનની છાપ મનમાં એમ પડઘાતી રહી