63 - મોત સુધીની ટૂર અને પગ પાણી-પાણી / નીરજ મહેતા


મોત સુધીની ટૂર અને પગ પાણી-પાણી
મંઝિલ થોડી દૂર અને પગ પાણી-પાણી

ઊગે પગમાં સાવ પરોઢે ઝાકળ જેવું
અંધારા ભરપૂર અને પગ પાણી-પાણી

પગ થઇ બેઠાં મૂળ અને હું વડલો જાણે
થાક વળ્યો ઘેઘૂર અને પગ પાણી-પાણી

વૃંદાવનની વાટ મળ્યો મદમાતો યાત્રી
વાંસલડીનો સૂર... અને પગ પાણી-પાણી

મ્હેક નગરની કુંજગલીમાંથી તું આવી
બેઠી ઉરાઉર અને પગ પાણી-પાણી

તરસી, તરસી, તરસીને પણ રંગત આવી
હોઠ બન્યા શેતૂર અને પગ પાણી-પાણી

ઉપલબ્ધિના થાળ ભર્યા છે ચરણો પાસે
ગઝલો થઇ મશહૂર અને પગ પાણી-પાણી0 comments


Leave comment