65 - ચડ્યો અજ્ઞાનનો એરુ ગઝલ ઘોળીને પિવડાવો / નીરજ મહેતાચડ્યો અજ્ઞાનનો એરુ ગઝલ ઘોળીને પિવડાવો
ઊડે શું પ્રાણપંખેરું ગઝલ ઘોળીને પિવડાવો

વૃથા મંથન કર્યે મળશે અમી પહેલાં ગરલ ચોક્કસ
તજો સાગર, તજો મેરુ ગઝલ ઘોળીને પિવડાવો

ઘરે આવી ચડે કોઈ અચાનક જો તરસ લઇને
કશું ના હોય તો ભેરુ ગઝલ ઘોળીને પિવડાવો

ઘણું ઊંડે સુધી જઇ શબ્દનું પણ મૂળ કાઢ્યું છે
મળ્યું ઓસડિયું અદકેરું ગઝલ ઘોળીને પિવડાવો

પ્રથમ રાજેન્દ્ર; મધ્યાહ્ને મરીઝ; સાંજે મનોજ, રમેશ
દરદ છો હોય જૂનેરું ગઝલ ઘોળીને પિવડાવો

(શહીદેગઝલ)


0 comments


Leave comment