66 - રણમાં કશેક જળ વિશે અટકળ મળે, પછી ? / નીરજ મહેતા


રણમાં કશેક જળ વિશે અટકળ મળે, પછી ?
દોડો ઘણું ‘ને હાથમાં મૃગજળ મળે, પછી ?

દૃષ્ટિ બધે ફરી પરત વીલે મુખે ફરે
થોડુંક આંખ ભીતરે ખળખળ મળે, પછી ?

ટેકો તરસ તણો લઇ બેસે થકાન ‘ને
ઊભાં થતાં જ પગ મહીં સાંકળ મળે, પછી ?

હાંફી જવા છતાં સતત દોડ્યા કરે સમય
વીતી નથી યુગોથી એવી પળ મળે, પછી ?

રસ્તો નિહાળતાં નયન થૈ જાય આંધળા
આવે ન કોઇ, એકલો કાગળ મળે, પછી ?

ખુદ પર હસ્યા સિવાય બીજું શું કરી શકો ?
જીવન તૃષા છિપે ‘ને અમરફળ મળે, પછી ?

(શહીદેગઝલ)


0 comments


Leave comment