૬૬ બંધ મુઠ્ઠીમાં તરસ આપી અને ભૂલી ગયાં / નીરજ મહેતા


બંધ મુઠ્ઠીમાં તરસ આપી અને ભૂલી ગયાં
એક મોંઘેરી જણસ આપી અને ભૂલી ગયાં

રાતને વીતાવવા આપ્યું ન આશાનું કિરણ
ટાઢ, એકલતા, તમસ આપી અને ભૂલી ગયાં

આભના આંજ્યા સપન નવજાત નાની પાંખમાં
પાંખ ફૂટી તો કફસ આપી અને ભૂલી ગયાં

સૂર્ય પાસે ચાલવા માટે વચન માગી લીધું
રાત આપી નહિ, દિવસ આપી અને ભૂલી ગયાં

કલ્પનાના રંગથી વંચિત રાખી જિંદગી
વાસ્તવિકતા ટેવવશ આપી અને ભૂલી ગયાં0 comments