72 - હજી / હરજીવન દાફડા


મધ્યમાં છે ને કિનારે પહોંચવાનું છે હજી,
એક જર્જર નાવ પર શું વીતવાનું છે હજી !

નિત નવાં મહોરાં નજરના માર્ગમાં આવ્યા કરે,
એક અસલી આદમી સુધી જવાનું છે હજી.

વેંતભર છેટું હતું અજવાસનું ઘર તે છતાં,
કેટલા જન્મો સુધી આ થાકવાનું છે હજી ?

આ ગલી, પેલી ગલી ઘૂમે ચરણ આકળવિકળ,
સૂર્ય ડૂબે છે ને થાણું શોધવાનું છે હજી.

આ નસેનસમાં ધબકતું હોય છે ‘હોવાપણું’,
જીવતા લોકોએ એને જાણવાનું છે હજી.


0 comments


Leave comment