74 - જિવાતું જાય છે / હરજીવન દાફડા


સાવ નોંધારું અને ડગમગ જિવાતું જાય છે,
આયખું એમ જ અહીં લગભગ જિવાતું જાય છે.

હો ભલે અંધારનો પહેરો અમારા આંગણે,
જોઇને ચારે તરફ ઝગમગ જિવાતું જાય છે.

કોઈને ક્યાં હોય છે નવરાશ કે કાને ધરે,
કારમી ચીસો ભરી રગરગ જિવાતું જાય છે.

સેંકડો વંટોળ વચ્ચે કેમ સાચવીએ કહો ?
આ હયાતી થાય છે ફગફગ, જિવાતું જાય છે.

રોજ બેબસ આંખ સામે થાય મિજબાની અને,
ટેવવશ જોવાય છે ટગટગ, જિવાતું જાય છે.


0 comments


Leave comment