78 - ઇચ્છા નથી / હરજીવન દાફડા


આરામદાયક રાહની ઈચ્છા નથી,
સહેજેય સસ્તી ચાહની ઈચ્છા નથી.

પૂજા કરું છું જીવતા ઈન્સાનની,
દેવળ અને દરગાહની ઈચ્છા નથી.

અણમોલ મૂડી સાંપડી છે શબ્દની,
એના ઉપર નિર્વાહની ઈચ્છા નથી.

અંગારમય તારી નજરને પી ગયો,
એથી વધારે દાહની ઈચ્છા નથી.

મારે ગઝલ કહેવી હતી તેથી કહી,
બાકી દુબારા, ‘વાહ’ની ઇચ્છા નથી.


0 comments


Leave comment