11 - વાર થઈ, વિઠ્ઠલા ! વહારે વેગે ચડો / નરસિંહ મહેતા


રાગ કેદારો

વાર થઈ, વિઠ્ઠલા ! વહારે વેગે ચડો, રખે નાગરી નાતમાં હાંસી થાયે,
આગે ભક્ત તમે અનેક ઉદ્ધારિયા, તમને તજી, નાથજી ! કોને ધ્યાયે ? ૧

ભક્ત પ્રહલાદને કારણે, કૃષ્ણજી ! વાસ પૂર્યો તમે કાષ્ઠ માંહે,
ભક્ત ઉગારિયો, અસુરને મારિયો, ભક્તવત્સલ બિરુદ વેદ ગાયે. ૨

દ્રૌપદી–કારણે ધાયા, હરિ ધસમસી, પૂરિયાં ચીર અનેક જાતે,
રાખિયે લાજ, એ કરજ તમ તણું ભલપણ ના’ણશો આણી વાતે. ૩

કુંવરબાઈના કોડ તાં પૂરજો, જગત માંહે જશ તારો થાશે,
નરસૈંયા સ્વામી ! આજ આવો ન તો આદ્ય ને અંતની લાજ જાશે. ૪


0 comments


Leave comment