25 - બોલે નહીં / લક્ષ્મી ડોબરિયા


દે સમય પડકાર પણ બોલે નહીં,
ને, કરી લે વાર પણ બોલે નહીં.

એક પરપોટાને બસ જીવાડવા,
થાય જળ આધાર પણ બોલે નહી.

મેઘ થઈ વરસી જવા, દરિયો લઈ લે,
બાષ્પનો આકાર પણ બોલે નહીં.

જીવતા પર્વતને પણ રાખે છે એ,
તૃણ છે કસદાર પણ બોલે નહીં.

ઓસ ને ફૂલો નિભાવી લે સહજ,
આગવો વહેવાર પણ બોલે નહીં.

સાવ સૂકી ડાળખી પણ આપે છે,
નીડને ધબકાર પણ બોલે નહીં.

આ ગઝલ, મારા બધા યે ભારને,
ઝીલે છે સાભાર, પણ બોલે નહીં. 


0 comments


Leave comment