27 - શક્ય છે / લક્ષ્મી ડોબરિયા


વરસાદમાં કદાચ ન ભીંજાય શક્ય છે,
અષાઢ એની આંખમાં દેખાય શક્ય છે.

જાગી જવા ક્યાં સૂર્યનું ઊગવું જરૂરી છે?
પ્રશ્નો વડે ઉજાસ થઈ જાય, શક્ય છે.

તું તારું કદ વધારવા દોડ્યા કરે છે પણ,
અંતે તો ભીતરે તું સમેટાય, શક્ય છે.

ઓળખ મને જો મારી, મળી જાય તો પછી,
એના સુધી એ રીતથી પ્હોંચાય શક્ય છે.

ખાલીપણાંનું મૂલ્ય સવાયું કરી જવા,
ખાલીપો આ ગઝલમાં વલોવાય, શક્ય છે. 


0 comments


Leave comment