30 - કસબ શીખી ગયા / લક્ષ્મી ડોબરિયા


રહીને સ્થિર ફરવાનો કસબ શીખી ગયા,
અમે ભીતર ઉઘડવાનો કસબ શીખી ગયા.

ગણતરી કેટલી મનમાં મગજમાં થઈ પછી,
થઈને બાદ વધવાનો કસબ શીખી ગયા.

હશે, હા ડાળ સાથે લાગણી જેવું છતાં,
બધાંયે પાન ખરવાનો કસબ શીખી ગયા.

ગમા ને અણગમાનો ભારથી એવું થયું,
સવાલો ખુદને કરવાનો કસબ શીખી ગયા.

આ હોવું વારસાગત ક્યાં મળ્યું છે એમનેમ?
બનાવોથી નીખરવાનો કસબ શીખી ગયા.

ગગનને આંબવાના પાંખના મનસૂબા પણ,
સમયસર પાછા વળવાનો કસબ શીખી ગયા.

વધારે થાય શું? બીજું કહો આ પ્રેમમાં?
હૃદયને કાને ધરવાનો કસબ શીખી ગયા.


0 comments


Leave comment