70 - ખુલ્લી બારીમાં ઊભાં પણ ખુદને રાખે બંધ કહો મળવું શી રીતે ? / નીરજ મહેતા


ખુલ્લી બારીમાં ઊભાં પણ ખુદને રાખે બંધ કહો મળવું શી રીતે ?
આંખો મારી બોલે અવિરત, કાન તમારા અંધ કહો મળવું શી રીતે ?

એક તરફ સન્નાટો ચારેબાજુ ચક્કાજામ હરફનો રસ્તો રોકે
એમાં અંધારાનું માથું એકલતાને સ્કંધ કહો મળવું શી રીતે ?

જોઉં, સૂંઘું, સ્પર્શું, ચાખું, સાંભળવા આયાસ કરૂં પણ નિષ્ફળ સઘળું
રૂપ, શબદ ના સ્પર્શ મિલનમાં લગરીકે રસ, ગંધ કહો મળવું શી રીતે ?

શબ્દોને તો દેશવટો ‘ને દૃષ્ટિનો અવરોધ કરે છે ઢળતી પાંપણ
પાસે પાસે સાવ છતાંયે અંતર છે અકબંધ કહો મળવું શી રીતે ?

આમ જુઓ તો હળવું-મળવું નવલી લાગે વાત ઉપરથી ગમતીલી પણ
આમ વિરહની સાથે પાછો જૂનેરો સંબંધ કહો મળવું શી રીતે ?

એક ઘડી ચોરી તો લીધી મળવા માટે ખાસ પરંતુ એમ બન્યું કે-
ચોકીપહેરો એનો કરતી વહેતી ક્ષણ નિર્બંધ કહો મળવું શી રીતે ?

(ધબક)


0 comments


Leave comment