71 - સઘળે રાચે ધુમ્મસ-ધુમ્મસ / નીરજ મહેતા


સઘળે રાચે ધુમ્મસ-ધુમ્મસ
નભને ટાંચે ધુમ્મસ-ધુમ્મસ

ભીનાં ઝાંઝર બાંધી પગમાં
મોસમ નાચે ધુમ્મસ-ધુમ્મસ

ઝાકળના ચશ્મા પહેરીને
ફૂલો વાંચે ધુમ્મસ-ધુમ્મસ

દિવસ ઊગી ઓગાળે છે
ધીમી આંચે ધુમ્મસ-ધુમ્મસ

તડકાનું પાતર લઇ જ્યાં-ત્યાં
સૂરજ યાચે ધુમ્મસ-ધુમ્મસ

(બ્રહ્મનાદ)


0 comments


Leave comment