૭૨ મ્હોરાં હટાવી દઉં તો નહીં ઓળખી શકો / નીરજ મહેતા


મ્હોરાં હટાવી દઉં તો નહીં ઓળખી શકો
ચહેરો બતાવી દઉં તો નહીં ઓળખી શકો

હમણાં જે શાંત શાંત રમકડું દેખાય છે
બે વાર ચાવી દઉં તો નહીં ઓળખી શકો

અંધારમાં જ રોજ તમે જોઈ જિંદગી
દીવો પેટાવી દઉં તો નહીં ઓળખી શકો

તારા ગયાની છાપ રહી ગાલ પર સજળ
પગલાં મિટાવી દઉં તો નહીં ઓળખી શકો

યત્નો કર્યે જરૂર મળે, ઈશ ક્યાં નથી?
જો હું બતાવી દઉં તો નહીં ઓળખી શકો