૭૪ ફરી ફાટ્યું છે પ્હેરણ થીંગડું ઊખડી ગયું / નીરજ મહેતા


ફરી ફાટ્યું છે પ્હેરણ થીંગડું ઊખડી ગયું
ઘણાં છિદ્રોનું ઢાંકણ થીંગડું ઊખડી ગયું

બધા સમજે મેં મારી જાતને ખુલ્લી કરી
નથી બીજું કશું પણ થીંગડું ઊખડી ગયું

સંબંધો સાચવ્યા રફ્ફુ કરેલા વસ્ત્ર જેમ
ખબર નૈં કાં અકારણ થીંગડું ઊખડી ગયું

ઘસાયા શ્વાસના બખિયા અને અંતે તૂટ્યા
મરણ આવ્યું ‘ને તત્ક્ષણ થીંગડું ઊખડી ગયું

ફરીથી સોયદોરો લઇ પરોવી મન, વિચાર
હવે પ્રગટાવ સમજણ થીંગડું ઊખડી ગયું

સમય આવી ગયો છે ખોળિયું પહેરો નવું
મૂકી દો શ્વાસ ભારણ થીંગડું ઊખડી ગયું