76 - હવેથી કૂદવાનું બંધ, દ્રાક્ષ ખાટી છે / નીરજ મહેતા


હવેથી કૂદવાનું બંધ, દ્રાક્ષ ખાટી છે
પડી છે સાવ ક્ષુધા મંદ, દ્રાક્ષ ખાટી છે

ચડે છે ઊમરાની ડાળ પર ભલે વેલો
નથી તોયે કશો સંબંધ, દ્રાક્ષ ખાટી છે

ગળ્યું ખાવાની ચોખ્ખી ના તબીબ પાડે છે
મને એ વાતનો આનંદ- દ્રાક્ષ ખાટી છે

જશે બેઉ તરફથી ખોટ આજ સોદામાં
અમારી જીભ પણ છે અંધ... દ્રાક્ષ ખાટી છે

બહેરાં ‘નેભૂખ્યાંના શહેરમાં રહું છું હું
કરૂં કેવી રીતે આક્રંદ- દ્રાક્ષ ખાટી છે

વધારે નમ્રતાથી આજ એ મળ્યા ‘નીરજ’
તરત આવી ગયેલી ગંધ- દ્રાક્ષ ખાટી છે


0 comments


Leave comment