૭૭ જિંદગી દોડ્યા કરે છે ટ્રેઇનની બારી બહાર / નીરજ મેહતા


જિંદગી દોડ્યા કરે છે ટ્રેઇનની બારી બહાર
દૃશ્ય સૌ પળમાં સરે છે ટ્રેઇનની બારી બહાર

આભનું ખેતર નધણિયાતું અચાનક સાંપડ્યું
વાદળાના ધણ ચરે છે ટ્રેઇનની બારી બહાર

દૂર પે’લી ટેકરી પાછળ ઊભેલો ચંદ્રમા
ઢાળ પર દીવા ધરે છે ટ્રેઇનની બારી બહાર

આવ અંદર, બેસ પાસે, વાત બાકી છે ઘણી
દોસ્ત ! ત્યાં તું શું કરે છે ટ્રેઇનની બારી બહાર

ક્યારનો જોયા કરે છે બહાવરાની જેમ તું
એવું તે શું આખરે છે ટ્રેઇનની બારી બહાર

રાહ જોવું પ્લૅટફૉર્મ પર આપણું સાર્થક થયું
જો દુપટ્ટો ફરફરે છે ટ્રેઇનની બારી બહાર0 comments