78 - તારીખ જો ઉદાસ કરી દે, થવાનું નહિ / નીરજ મહેતા


તારીખ જો ઉદાસ કરી દે, થવાનું નહિ
કાંટા છે, એથી ફૂલ થોડું મ્હેકવાનું નહિ !

મનમાં ઉદાસી માટે અલગ રૂમ ફાળવી...
ત્યાં તાળું મારવું, ‘ને ફરી ત્યાં જવાનું નહિ

ઈચ્છાનો સરળ સાવ નિયમ છે વહાલમાં
તમનેય ઈચ્છશે એ – એવું ઈચ્છવાનું નહિ

ઊંચકાય જો જરાક... મળે આંખમાં પ્રવેશ
પાંપણ ઉપર લખાય? – ‘અહીં આવવાનું નહિ’

ભીતર અવર-જવર તો શરૂ રાખશે જ એ
સંબંધ તોડવાનું કામ આ હવાનું નહિ

(અવસર)


0 comments


Leave comment