૭૯ શાંત પાણીમાં તરો મા, ડૂબકી મારી જુઓ / નીરજ મહેતા


શાંત પાણીમાં તરો મા, ડૂબકી મારી જુઓ
સાવ છબછબિયા કરો મા, ડૂબકી મારી જુઓ

આભના કાંઠે જ શું પીંછી લઈને બેસવું ?
રોજ દરિયો ચીતરો મા, ડૂબકી મારી જુઓ

હાથ ખુલ્લા બંધ મુઠ્ઠીથી સદા પામે વધુ
અંજલિ અમથી ભરો મા, ડૂબકી મારી જુઓ

પાનખર જેવો બનીને કાળ વ્હેતો જાય છે
કાળની સાથે ખરો મા, ડૂબકી મારી જુઓ

પામવા સાગરપણું ખોવું ઘટે સરિતાપણું
થૈ કિનારો વિસ્તરો મા, ડૂબકી મારી જુઓ

છે રહસ્યો સૌ છુપાયા ખોળિયાની ભીતરે
બાહરે દીવો કરો મા, ડૂબકી મારી જુઓ

શ્વેત કાગળની સપાટી છે મનોહર તે છતાં
કોક દિ’ આ અક્ષરોમાં, ડૂબકી મારી જુઓ

(તમન્ના)0 comments