1 - નિવેદન – એકવિધાતામાં વિવિધતાની તલાશ – સંભવામિ ગઝલે ગઝલે / રિષભ મહેતા


સોળમી ડિસેમ્બર, ૧૯૯૯ના રોજ મારો વનપ્રવેશ થશે. પચાસ વર્ષ સુધી એકનું એક જીવન જીવતો રહ્યો. એકના એક સૂર્યને રોજ હું ગૂડ મોર્નિંગ કહું... એકના એકના એક ફૂલોની મ્હેકથી શ્વાસોને તરબતર કરું... એકના એક પંખીના એકના એક ટહુકાઓથી જીવનને ટહુકતું કરું... પછી તો એ જ એકના એક માણસો, એકના એક રસ્તા.. એકના એક વાહનો... એકનો એક ખોરાક... એકનો એક પોષક... અને લગભગ એકની એક ઘટનાઓ... એકના એક શબ્દોથી સર્જન કર્યું, એકના એક સ્વરોથી ગુંજન કર્યું....; છતાં આ બધું કરવાનું ગમ્યું. કારણ, એકની એક છતાં અનન્ય અને એકમાત્ર ગઝલનો સથવારો મળ્યો. તેથી જ આ બધું કરવાનું ફાવ્યું, બધું ભાવ્યું.

મારી જ જેમ લગભગ બધા જ માણસો મહદ્દ અંશે એક જ છંદમાં જીવન જીવતા હશે... અને છતાં પ્રત્યેક પળ આ જીવનમાં કશુંક નવું, કશુંક જુદું અનુભવતા પણ હશે. જીવનની આ જ તો મજા છે. આ મજાને માણવાનો અને આપની સાથે સહભાગવાનો મારો આ પ્રયાસ છે.

મારી જિન્દગીના એકાવનમાં વર્ષના પ્રવેશ ટાણે બદલાતા રદિફની ધરી પર ફરતી એકસરખા કાફિયાવાળી એકાવન ગઝલો આપની સમક્ષ મૂકું છું. આ કોઈ Experiment નથી. Experience છે.... આ એક Effort છે, એકવિધતાથી ભરેલા જીવનમાં વિવિધતા શોધવાનો. મૂળભૂત રીતે આ માત્ર એકજ ગઝલનો કાવ્યસંગ્રહ છે.

ગઝલ એક અંત્યંત છેતરામણો કાવ્યપ્રકાર છે. It has a deceptive simplicity. અને તેથી જ ગઝલના Discipline થી બેખબર મોટાભાગના સર્જકો ગઝલના છંદમાં જે કંઈ લખે છે તે ઘણીવાર ગઝલ હોતી નથી ગઝલમાં ‘રદીફ’ ‘કાફિયાનું’ સાયુજ્ય અનિવાર્ય છે... અને બન્નેનું સરખું મહત્વ છે. આમ છતાં શ્રોતાઓના, વાચકોના મન અને મોઢાંમાંથી ‘વાહ’ કે ‘આહ’ કઢાવનારાં તત્વ તરીકે મહદ્દ અંશે કાફિયાને ઓળખવામાં આવે છે અને રદીફ ઘણીવાર Supporting role અથવા second fiddle તરીકે કામ કરતો જણાય છે. ઘણીવાર એ હોવા પૂરતો જ હોય છે અને અત્યંત passive અથવા silent પ્રતિત થાય છે. ઘણીવાર ન હોય તો પણ ચાલે તેવું અનુભવાય છે. આ જ બાબત મહદ્દ અંશે ઘણા સર્જકોને છેતરી જતી હોય છે. રદીફ, જાનદાર રદીફ ગઝલની જાન છે, ગઝલની શાન છે. રદીફને નિભાવવો, ન્યાય આપવો એમાં જ શાયરના કલા, કૌશલની કસોટી છે. આ કસોટી પાસ કરવા હું મારી એક સરખી લાગતી એકાવન ગઝલોમાં મથ્યો છું. એક રદીફનું ગઝલ પર કેટલું ભારે પ્રભુત્વ હોય છે તે મેં આ ગઝલોના સર્જન દરમિયાન અત્યંત તિવ્રતાથી અનુભવ્યું છે. આ ગઝલો તેથી જ મને જીવન જેવી ધબકતી લાગી છે... એક સરખી છતાં જુદી... આ ગઝલો મારી, મારી જિન્દગીની એકવિધતામાં રહેલી વિવિધતાની તલાશ છે.

- રિષભ મહેતા0 comments


Leave comment