2 - “રદીફનો રોમાંચ” – સંભવામિ ગઝલે ગઝલે / અદમ ટંકારવી


આ લખાણ ‘પ્રસ્તાવના’ નથી. ગઝલકાર રિષભ મહેતાના ગઝલસંગ્રહને પ્રસ્તાવનાના લટકણિયાની કે આવકારની ટેકણલાકડીની જરૂર નથી. ઉર્દૂમય શૈલીમાં કહું તો રિષભ પરિચયના મોહતાજ નથી કે પછી અંગ્રેજીમાં – રિષભ નીડ્ઝનો ઇન્ટ્રડક્શન ટૂ ધ લવર્સ ઑફ ગુજરાતી ગઝલ.

આ લખાણ રિષભની પ્રયોગશીલ ગઝલોમાંથી પસાર થતાં મને જે થ્રિલીંગ ની અનુભૂતિ થઈ તે ‘શૅર’ કરવા માટેનું છે – રિષભ જેવા સમર્થ ગઝલકાર પાસેથી ગુજરાતી ગઝલની જે અપેક્ષા હતી તેની પૂર્તિની ઉજવણીરૂપે આ શબ્દો લખાય છે.

ગુજરાતી ગઝલ વિષે હું આજપર્યંત ઉત્સુક રહ્યો છું. આદિલ મન્સૂરી, હરીશ મીનાશ્રુ, શ્યામ સાધુ, જયેન્દ્ર શેખડીવાળા કે રિષભ મહેતા ગઝલ લખે ત્યારે ગુજરાતી ગઝલ ને કોઈ નવું પરિમાણ મળશે એવી આશા રહે છે, એનું કારણ આ બધા મિત્રો છે એટલે નહીં પણ ગઝલસ્વરૂપની મર્યાદાને ઓળંગી જવાનું એમના શબ્દમાં જે બળ અનુભવાય છે એના લીધે.

આ સંગ્રહની એકાવન ગઝલોમાં એકજ ગઝલને લગભગ શબ્દશ: કાયમ રાખી માત્ર રદીફ બદલી અને કવિધ ‘મિજાજ’ અને સંવેદનો ઝીલવાનો સંનિષ્ઠ પ્રયાસ થયો છે. ગુજરાતી ગઝલમાં મારી જાણ મુજબ આવો પ્રયોગ અપૂર્વ છે. પણ મને માત્ર પ્રયોગ તરીકે જ આ ગઝલોમાં રસ નથી. ગઝલના ચુસ્ત બંધારણની શિસ્ત જાળવી તેમાં અભિવ્યક્તિની શક્યતા ને તાગવાની કવિની અનિવાર્યતામાંથી આ પ્રયોગ જન્મ્યો છે. પ્રત્યેક સજાગ સર્જકની આ મથામણ રહી છે. કવિ શબ્દ દ્વારા આપણી ઘસાયેલી–કલીશે અનુભૂતિને વિસ્તારવા મથે છે ત્યારે પ્રયોગ થાય છે – પ્રયોગ કરે છે એમ નહીં, પ્રયોગ થાય છે – ઇનોવેશન હૅપન્સ. વ્યક્ત ન થઈ શકવાની અકળામણ જ પ્રયોગનું ચાલકબળ બને છે. ગાલિબના શેરના રૂપાંતરે હરીશ મીનાશ્રુ કહે છે તેમ, ‘ગઝલની તંગ ગલી અમને તંગ રાખે છે’. પણ હરીશ, રિષભ જેવા ગઝલકારો આ તંગ ગલીમાં સાંકડ માંકડ બેસી ગૂંગળાયા કરે એવા નથી. આ જ ગુજરાતી ગઝલ શુભસંકેત છે.

સાતમા દાયકા પછી ગુજરાતી ગઝલમાં પ્રયોગશીલતા વલણ સંદર્ભે ભગવતીકુમાર શર્મા કહે છે કે, ‘આ બધાને અંતેય પાયાનો પ્રશ્ન તો એ જ રહેવાનો કે આ સર્વ પ્રયોગશીલતાએ ગઝલના ગઝલ તરીકેના અસ્તિત્વને વધારે સાર્થ બનાવ્યું છે કે કેમ ?’ આ માપદંડ રાખીએ તો જણાશે કે રિષભ મહેતાનો આ ગઝલપ્રયોગ ગુજરાતી ગઝલને વધુ સમૃદ્ધ કરવા પ્રતિ તકાયેલો છે.

આ એકાવન ગઝલોનું સૌથી સબળ અને સંતર્પક પાસું એ કે, એક જ ગઝલ રદીફ ફેરે એકવાન સ્વરૂપે કહેવાઈ છતાં તેમાં એકવિધતા નથી. પ્રત્યેક ગઝલ, બલ્કે પ્રત્યેક શેરનું નાવીન્ય એ જ રિષભની સિદ્ધિ છે.

માત્ર રદીફ બદલી બાકીનો શેર કાયમ રાખવામાં ગઝલ બોલકી થઈ જાય કે શબ્દાળુતા પ્રવેશે એ ભય રહેલો છે. વળી રદીફ શેરમાં ઓગળી એકરૂપ થવાને બદલે આંગતુક કે હૅંગીંગ ઇન ધ ઍર રહેવાની ભીતિ પણ ખરી. રિષભ પોતાની સજ્જતા અને સર્જનશીલતા ને લીધે આ ભયસ્થાનો નિવારી શક્યા છે એ આપણા માટે આનંદાશ્ચર્યની વાત છે. ઉદાહરણરુપે આ બે શેર જુઓ :
દ્વારમાં ઊભી પ્રતીક્ષા ઓગળે
આવશો-ની આશ છે કે આપ છો ?

દ્વારમાં ઊભી પ્રતીક્ષા ઓગળે
આવશો-ની આશનો પર્યાય હું
આ શેરમાં ‘છે કે આપ છો ?’ અને ‘-નો પર્યાય હું’ એ બેઉ રદીફો એકસરખા પ્રતીતિકર લાગે છે. આ પ્રકારના રદીફ પ્રયોજનનું ભયસ્થાન ચીંધતાં મસ્તહબીબ સારોદીએ ટકોર કરેલી કે આવી રચના સંભવ છે. રિષભની આ ગઝલો આવી હોનારતમાંથી ઊગરી ગઈ છે. આ સંગ્રહ પ્રયોગશીલ ગઝલોનો છે, એટલે કે એમાંની રચનાઓ ગઝલો છે અને એ ગઝલોમાં અભિવ્યક્તિ સંદર્ભે પ્રયોગ થયેલા છે. મકરંદ દવે ગઝલના શીલ અને સૌંદર્યમાં ત્રણ અવિભાજ્ય અંગોનો ઉલ્લેખ કરે છે : અભિવ્યક્તિ, સૌન્દર્યબોધ અને સંગીતમયતા આમાં મારિફત એટલે આધ્યાત્મિકતા ઉમેરી શકાય પણ એમના મતે આ કોઈ વિશ્ર્લેષણથી અલગ તારવી શકાય એવું તત્વ નથી. અધ્યાત્મ તો ગઝલમાં રસાઈને કળારૂપ પામે છે.

આ દ્રષ્ટિએ પણ રિષભની ગઝલો માણવા જેવી છે રિષભ ગઝલગાયક પણ છે એટલે ગઝલમાં લય, સંગીતમયતા એમને સહજ છે. ‘ખુશબૂના શ્વાસ’, ‘તરબતર આંખ’, ‘વિવશ મધુમાસ’, ‘લીલીછમ્મ પ્યાસ’ –માં અભિવ્યક્તિની તીવ્રતા અનુભવાય છે. ‘આંખ ખૂદ સપનું બનીને રહી ગઈ’ જેવી અનેક પંક્તિઓમાં સૌન્દર્યબોધની એની પરાકાષ્ટાએ પહોંચે છે. પ્રેમ અને તદ્દજન્ય સંવેદનો અહીં ગઝલને અનુરૂપ બાનીમાં અભિવ્યક્તિ પામે છે. આ ગઝલોમાં ‘દર્દ એહસાસ’ ઘૂંટાઈને આવે છે અને ‘કે આપ છો ?’ જેવા પ્રશ્નમાં પ્રિયપાત્રમાં મૂર્તિમંત થાય છે. ઝીણી વેદના, મૂક ઝુરાપો સંયમિત શૈલીમાં વ્યક્ત થતાં રહે છે.

આ ગઝલોમાં મેં પ્રથમવાર વાંચી ત્યારે મન ઉપર ‘ક્લાઈડોસ્કોપ’ જેવી છાપ પડી. રંગીન કાચના ટુકડા પ્રથમ ગઝલમાં એક ભાતરૂપે ગોઠવાય પછી કવિ રદીફ બદલી સ્હેજ ગતિ આપે એટલે આખી ભાત જ બદલાઈ જાય એવું કૌતુક થયું. પાંચમી ગઝલે પહોંચતાં થયું કે, ‘ક્યા બાત હૈ.’ ગઝલને પામવાની દરેકની રીત નોખી નોખી હોઈ શકે. મેં કુતૂહલવશ બધી જ ગઝલોનો ‘આંખ ખૂદ સપનું બનીને રહી ગઈ – એ શે’ર એકસાથે વાંચ્યો તો પ્રત્યેક વાચને અલગ અનુભૂતિ થઈ.

આંખ ખૂદ સપનું બનીને રહી ગઈ
ચોતરફ આભાસ છે કે આપ છો ?

એ વાત –

આંખ ખૂદ સપનું બનીને રહી ગઈ
ચોતરફ આભાસની વસ્તી હતી
એ શેરમાં કવિએ બદલેલા સંદર્ભને કારણે કેવી તો બદલાઈ જાય છે ? રિષભના કવિકર્મનું આ ઉદાહરણ છે.

આ મહંમદ છેલપણું જ ગઝલની મિરાત છે. કવિ મનહર મોદી ગુજરાતી ગઝલ ‘હોઈ શકવી જોઈએ એવી ને એટલી હેમખેમ છે’ એવું કહે છે તેનું એક વધુ પ્રમાણ તે રિષભ મહેતાની આ એકાવન ગઝલો.

બોલ્ટન, યુ.કે.
જુલાઇ ૧૯૯૯
- અદમ ટંકારવી0 comments


Leave comment