3 - “સર્જનાત્મક ભૂકંપનો પ્રદેશ : મહેતા, રિષભ – સંભવામિ ગઝલે ગઝલે / જયેન્દ્ર શેખડીવાળા


મહેતા, રિષભ કૈં કહેવું હોય ત્યારે મંદ્રમોજિલું અને શરમાળ હસે યા ‘તુ કિસી રેલ–સી ગુજરતી હૈ’ની થર્રાટનો અનુભવ કરાવતો ગુસ્સો કરે યા કાવ્ય અને સંગીતના સમુદ્રતળની અનુભૂતિ આપતી ગઝલ ગાય અને જયારે આ ત્રણે ખૂણા ભરાઈ–ઊભરાઈ જાય ત્યારે મધ્યરાત્રી પારના એકાંતમાં ક્ષતવિક્ષત પડેલા ચોથા ખૂણે ભરાઈ જઈને, ઊભરાઈ ઊભરાઈને ગઝલ લખે. આ ચોથા ખૂણેય જયારે સંકડામણનો અનુભવ કરે ત્યારે દેહ દ્વારા દેહમોક્ષની પ્રાપ્તિ માટે મથતા અવધૂતની જેમ ગઝલ દ્વારા ગઝલમોક્ષનું પ્રયોગ–અનુષ્ઠાન આદરે. ભાષા અને અભિવ્યક્તિની મર્યાદાઓને અનુષ્ઠાનમાં તેઓ ઓળંગે (આ સર્જનાત્મક અનુષ્ઠાનને લોકો પ્રયોગ કહે છે.) વિશેષ રીતે કથ્ય અને કથનનો યોગ સધાય ત્યારે જે રોમાંચ થાય તેને તેના સર્જક મહેતા, રિષભ પૃથ્વી ઉપર સુખ, દુઃખ અને આનંદને વહેંચતા બ્રહ્માની જેમ યા બાળકે ઉડાડેલા સાબુ મિશ્રિત પાણીના પરપોટાની જેમ યા આ સંગ્રહની ગઝલોના પ્રાગટ્યની જેમ મિત્રોમાં, શ્રોતાઓમાં, સંવેદનશીલોમાં વહેચે, એટલું જ નહીં સાથોસાથ ગુલાલની રજકણોમાં અનુસ્યૂત લાલ રંગની જેમ ગઝલ સાથે જ પોતે વહેચાય અને આંતરબાહ્ય વાતાવરણને ગુલાબી ગુલાબી ઓચ્છવિયું ઓચ્છવિયું કરી મૂકે ત્યારે ગોરજ ઝીલતી પૃથ્વી જેવા આપણાં મનમાં જંપે, શમે, વિરમે – આહલાદ્દની રમ્યતાના રોમાંચ સાથે...

મહેતા, રિષભ ધ્વનિલાવસ્થામાં આપણી સામે ઉપસ્થિત હોય કે તેમની મૌનાશ્રિત ગઝલોમાં આપણી ઉપસ્થિતિ હોય, ઘટના એક જ ઘટે – ‘હોવા’ને પરલક્ષીતાપૂર્વક તાર્કિક ઊર્મિલતાથી પ્રમાણવાની. સુખ દુઃખ, વેદના, પીડા, હર્ષ, ઉલ્હાસ હતાશા–નિરાશા, ભ્રમ–વિભ્રમ– સંભ્રમ અનુભૂતિ–વિચાર, ક્રિયા–પ્રક્રિયા, બધું જ મહેતા, રિષભમાં ઘટે; ને તેમનામાં ઘટે તે બધું તેમની ગઝલોમાં ઘટે. ઘટનક્રિયા પૂરી થતાં મહેતા, રિષભ સદ્યજન્મા બાળકની જેમ રોમાંચનો આંચકો આપી ક્ષણોમાંથી છૂટવા માંડે, જાતમાંથી છૂટવા માંડે. હિંડોળા ખાટે ઝૂલવા માંડે, અસ્પૃશ્યાનંદમાં લીન થવા માંડે ભૂકંપાવસ્થોને પામી અર્થાત્ ‘તુ કિસી રેલ સી..’ જેવું હસે, ઊભરાઈને ગુસ્સો કરે, સમુદ્રતળ જેવું લખે, મનમોજીલું હોય કે સંભવામિ ગઝલે... જેવો પ્રયોગ કરે. ગઝલ કે ગીતમાં યા જીવન કે સંગીતમાં.

અહીં રદીફમાં જ રમવાનું પસંદ કરી કવિ મહેતા, રિષભે ભૂકંપભૂમિ પર ડગ માંડવાનું કામ કર્યું છે. મનોજ ખંડેરિયા ‘બુકાની છોડવા બેસું તો’ ગઝલમાં શેરની ૩/૪ ભાગ યથાવત્ રાખીને કાવ્યાત્મક પરિણામો નીપજાવે છે. આ લખનારની ‘ટોળું હંસનું’ નામની એક ગઝલમાં શેરનો ૧૧/૪ ભાગ યથાવત્ રહે છે અને ૩/૪ ભાગને area of creation તરીકે રાખીને કાર્ય થયું છે. પણ ભાઈ મહેતા, રિષભ એથીય એક ડગલું આગળ વધીને માત્ર રદીફ પરિવર્તન દ્વારા એકાવન ગઝલોની રચના કરી, કાવ્ય સિદ્ધ કરવાનો નવ્ય પ્રયોગ– પ્રયાસ કરે છે અને તેમાં તેઓ અત્યંત સફળ પણ રહે છે – આ સાફલ્યક્ષણનો આનંદ, કવિ અને કિમિયાગર બેઉ એવા મહેતા, રિષભના સંગ્રહાગ્રે પ્રગટ કરી વિરમું છું.

- જયેન્દ્ર શેખડીવાળા


0 comments


Leave comment